Friday, May 11, 2012

રામનામ – ગાંધીજી

ઈશ્વર ક્યાં ને કોણ ?
 
ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઈશ્વરના અવતાર કહેવાઈએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઈ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યક્તિ થઈ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઈ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમભરેલે રસ્તે ચડી જઈએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઈશ્વર એક શક્તિ છે, તત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી. વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ, જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઈએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઈ ન કરે. રામનામ સર્વવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે એ તો ઊરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન લાગે. આમ વિચાર કરતાં હું કહી શકું છું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે. ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હૃદયમાં વસે ત્યારે જ તેનો પૂરો ચમત્કાર જણાય છે..!!

No comments:

Post a Comment