Friday, September 30, 2011

ત્રાહિમામ..!! ત્રાહિમામ..!!

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ..!!

Tuesday, September 27, 2011

અરીસા ઉતારો

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં ’તો હરણને ન રણમાં ઉતારો,

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો,

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો,

આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો,

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો,

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો..!!

Sunday, September 25, 2011

વાંચો કથા ગુજરાતની..!!

કોણ કે’ છે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.

ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની.
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.

આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.

મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.

છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.

રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.

આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.

આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.

એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.

ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.

એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની..!!

બંધ કર

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર,
આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર.

ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને,
મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર.

દોસ્ત ! જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે,
આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર.

ભાઈ મારા, જર્જરિત દીવાલની હત્યા ન કર,
લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર.

પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે,
મૂછને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર.

જીવતા જો એ હશે, તું જીવતો રહેશે નહીં,
આ ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શવાનું બંધ કર..!!

ભલા માણસ

હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ

જો, કશે દ્વાર પણ હશે એમાં,
છોડ, એ ભીંત છે ભલા માણસ

કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ

ફક્ત છે લેણદેણનો સંબંધ,
નામ તો ઠીક છે ભલા માણસ

વાર તો લાગશેને કળ વળતાં,
કાળની ઢીંક છે ભલા માણસ

માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ..??

Thursday, September 22, 2011

ગૌરવ કથા ગુજરાતની

વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની

ડાંગ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી
દુશ્મનોએ જોઈ છે ક્યાં એકતા ગુજરાતની

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો
રંગ લાવી છે શહીદી ભાવના ગુજરાતની

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર
ભૂલશે ઈતિહાસ ના ગૌરવ કથા ગુજરાતની

ચંદ્ર ને સૂરજ કહે છે રાત દિ’ ‘જય સોમનાથ’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની

માતા કેરા ચીર સાથે ખેલનારા સાવધાન
ક્યાંક મહાભારત ન સર્જે ઉરવ્યથા ગુજરાતની

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાતની..!!

જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત.!!

ગાજે મેહૂલીઓ ને સંભળાયે સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત,

જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતિયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

શિખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોડાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપાવ્યા સંસ્કૃતિએ બનાવી વિશ્વામિત્ર
સુદામાની પોટલીએદીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત,

ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત..!!

Tuesday, September 20, 2011

જીત્યું હમેશા ગુજરાત..!!

  હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત..!!

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..!!
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..!!
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..!!
મારું ગુજરાત..!!

ગઝલ


કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી..!!

આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી..!!

બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી..!!

એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી..!!

હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી..!!

હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી..!!

Friday, September 16, 2011

ભરોસો..!!

અગર જો ભગવાન પર ભરોસો કરવાનું શીખવુ હોય,
તો પંખીઓ પાસે થી શીખો.....
કેમ કે,
જ્યારે તે સાંજે ઘરે પાછુ જાય છે ત્યારે
તેની ચાંચ માં કાલ માટે કોઇ દાણો નથી હોતો...!!

Wednesday, September 14, 2011

સન્જોગ..!!

દિલ ની દૂનીયા મા દીલ નૅ જ સાથ નથી હૉતૉ,
પ્રેમમાં ક્દી વિરહ નો અવકાશ નથી હૉતૉ,
નસીબ નીભાવિ જાય છે જુદાઇ ના રીવાજો,
બાકિ સન્જોગો ની રમત મા ,
ક્યારેય સમય નો વાન્ક નથી હોતો...!!