Tuesday, September 27, 2011

અરીસા ઉતારો

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં ’તો હરણને ન રણમાં ઉતારો,

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો,

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો,

આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો,

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો,

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો..!!

No comments:

Post a Comment