Wednesday, September 6, 2017

ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો...


આ રીતે વહાલ કંઈ કરાય?
ઊભરાયું હોય હેત ટપલીક બે મારીએ પણ સીધો
કાંઈ ધુંબો મરાય?


ઓચિંતા આવીને ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન?
શેરિયુંમા તરતી ઇ કાગળની હોડિયુંનું થોડુંક તો રાખવુંતું ધ્યાન? 
ગામ આખું આવે ભાઇ નદીયું માં નહાવાપણ 
નદીયું થી ગામમાં ઘરાય?
આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય?
ધસમસવું સારું,પણ આટલું તો નહીં જ જેમા છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર,અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો
કાંઈ ચીંટીયો ભરાય?
આ રીતે વહાલ કંઈ કરાય?....
 ~ કૃષ્ણ  દવે