Sunday, September 25, 2011

વાંચો કથા ગુજરાતની..!!

કોણ કે’ છે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.

ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની.
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.

આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.

મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.

છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.

રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.

આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.

આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.

એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.

ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.

એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની..!!

No comments:

Post a Comment