Thursday, September 22, 2011

જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત.!!

ગાજે મેહૂલીઓ ને સંભળાયે સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત,

જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતિયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

શિખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોડાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત,

છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપાવ્યા સંસ્કૃતિએ બનાવી વિશ્વામિત્ર
સુદામાની પોટલીએદીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત,

ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત..!!

No comments:

Post a Comment