Saturday, July 19, 2014

વિશ્વાસ

એક માણસ જંગાલમાંથી પસાર થઇ રહ્યો હતો. સામેથી વાઘ આવી રહ્યો હતો. વાઘથી પોતાની જાતને બચાવવા માટે એ ફટાફટ એક ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર ચઢ્યા પછી એને સમજાયુ કે એ ઉતાવળમાં બહું મોટી ભુલ કરી બેઠો છે કારણકે ઝાડ પર એક જંગલી વાંદરો બેઠેલો હતો. માણસને બંને બાજુ મોત દેખાવા લાગ્યુ. નીચે વાઘ અને ઉપર આ જંગલી વાંદરો.

ડરી રહેલા માણસને જોઇને વાંદરાએ કહ્યુ , " અરે ભાઇ , ડર નહી. હું તને હેરાન નહી કરુ. ગમે તેમ તો પણ તું મારો વંશજ છે માટે મારાથી તને કોઇ નુકસાન નહી થાય એની ખાત્રી આપુ છું." વાઘ નીચેથી ખસવાનું નામ નહોતો લેતો અને એમને એમ રાત પણ પડી ગઇ. વાંદરા અને માણસ બંને એ વારાફરતી સુઇને રાત પસાર કરવાનું નક્કી કર્યુ.

માણસ સુતો હતો અને વાંદરાનો જાગવાનો વારો હતો. નીચે બેઠેલા વાઘે વાંદરાને કહ્યુ , " યાર , આપણે બંને તો પ્રાણીઓ છીએ માટે નાત ભાઇ કહેવાઇએ આ માણસ તો આપણી નાત બહારનો છે એને નીચે ધક્કો માર એટલે મારુ કામ પતે. " વાંદરાએ કહ્યુ , " અરે વાઘભાઇ એ મારા વિશ્વાસે ઘસઘસાટ ઉંઘી રહ્યો છે. મારા પર મુકેલા વિશ્વાસનો હું ઘાત ન કરી શકુ."

થોડા સમય પછી વાંદરાનો સુવાનો અને માણસનો જાગવાનો વારો આવ્યો. વાઘે હવે માણસને લાલચ આપતા કહ્યુ , " તું આ વાંદરાને ધક્કો મારીને નીચે પાડ તો હું તને જીવતો જવા દઉ." માણસે તો કોઇ વિચાર કર્યા વગર જ વાંદરાને ધક્કો માર્યો. વાંદરો તો ટેવાયેલો હોવાથી નીચે પડતાની સાથે જ છલાંગ લગાવી ઉપર આવી ગયો. પછી માણસની સામે જોઇને એટલુ જ કહ્યુ , "હવે ક્યારેય કોઇને એમ ન કહેતો કે અમે વાનરોના વંશજ છીએ."

મિત્રો , બીજા પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચાર કરવો અને કોઇ આપણા પર વિશ્વાસ રાખીને કોઇ સુતુ હોય તો એને ધક્કો મારવાનું કામ ન કરવુ

No comments:

Post a Comment