Tuesday, October 30, 2018

દિવાળીની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા

લાગેલી ધૂળના આવરણો જ્યારે નીચે પડ્યા
દિવાળીની સાફ સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા,

ક્યાંક કોઈ માળીયા માં છુપાયેલું બાળપણ મળ્યું,
જૂની તસ્વીરો જોતા ખોવાયેલું ભોળપણ મળ્યું

લાકડી દાદાજીની ક્યાંકથી આવી હાથ માં,
દાદાજીની કહેલી વાર્તાઓ,લાવી એ સાથ માં

ક્યાંક થી આઠ આના નો એ સિક્કો મળી આવ્યો,
બાળપણ ની અમીરી ની યાદ એ સાથે લાવ્યો

ગોખેલા જેમાંથી ગુણાકાર ના પાળાઓને,
શાળાની યાદ અપાવી એ 'દેશી હિસાબ'ના પાનાઓએ

વર્ષો જૂનો પરિવાર નો એક આલ્બમ હાથ આવ્યો,
હાલના વેરઝેર ભૂલી જ્યાં આખો પરિવાર સાથ આવ્યો

હતી એક નાની મોટર,પપ્પા એ જે આપી હતી,
હ્ર્દય માં જેને હમેશા સાચવીને રાખી હતી

શાળાના સમયની થોડી તસ્વીર હતી,
ખોવાયેલી એ દોસ્તી જ ત્યારે મારી જાગીર હતી

તાજી થઇ એ યાદો જે ઘરના દરેક ખૂણે પડી હતી,
બસ સમય સાથે તેના પર થોડીક ધૂળ ચડી હતી

સમય ની ધૂળના એ થરો થોડા આઘા કર્યા,
દિવાળીની સાફ સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા

No comments:

Post a Comment